عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Event, The Inevitable [Al-Waqia] - Gujarati translation - Rabila Al-Omari

Surah The Event, The Inevitable [Al-Waqia] Ayah 96 Location Maccah Number 56

૧. જ્યારે કયામત આવી પહોંચશે.

૨. તેને કોઈ જુઠલાવી નહીં શકે,

૩. તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.

૪. જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.

૫. અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે

૬. પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.

૭. તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો.

૮. (એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા.

૯. અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ?

૧૦. અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે.

૧૧. આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે.

૧૨. નેઅમતોવાળા બગીચામાં છે.

૧૩. પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે.

૧૪. અને પાછળના લોકો માંથી ઓછા હશે.

૧૫. આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,

૧૬. એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.

૧૭. હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે.

૧૮. એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ,

૧૯. જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.

૨૦. અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે,

૨૧. અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે,

૨૨. અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે.

૨૩. જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.

૨૪. આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા.

૨૫. ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત.

૨૬. તેઓ બસ (એકબીજાને) સલામ જ સલામ કહેતા હશે.

૨૭. અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ) છે. જમણા હાથવાળાઓ.

૨૮. તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં.

૨૯. અને એક પર એક બનાવેલા ખૂંટા.

૩૦. દૂર સુધી ફેલાયેલા પડછાયા,

૩૧. અને વહેતા પાણીમાં,

૩૨. અને ઘણા જ ફળોમાં હશે.

૩૩. જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.

૩૪. અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે

૩૫. અમે તેમની (ની પત્નીઓને) ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું.

૩૬. અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું.

૩૭. જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે.

૩૮. આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે.

૩૯. ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.

૪૦. અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.

૪૧. અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું?

૪૨. તેઓ લુ અને ગરમ પાણી માં (હશે).

૪૩. અને કાળા ધુમાડાના પડછાયામાં હશે.

૪૪. જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક.

૪૫. નિ:શંક આ લોકો આ (પરિણામ) પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા.

૪૬. અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા.

૪૭. અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?

૪૮. અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ?

૪૯. તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,

૫૦. સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે.

૫૧. પછી તમે હે જૂઠલાવનારાઓ! તમે ગુમરાહ છો.

૫૨. તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે.

૫૩. અને તેનાથી જ તમે પેટ ભરશો.

૫૪. પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.

૫૫. જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે.

૫૬. બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે.

૫૭. અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.

૫૮. હા, એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,

૫૯. તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે?

૬૦. અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.

૬૧. કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.

૬૨. તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા?

૬૩. હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,

૬૪. તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.

૬૫. જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.

૬૬. કે અમારા પર ભાર થઇ ગયો છે.

૬૭. પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું.

૬૮. હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,

૬૯. તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ?

૭૦. જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા?

૭૧. હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,

૭૨. તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે?

૭૩. અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.

૭૪. બસ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો.

૭૫. બસ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે.

૭૬. અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે.

૭૭. નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.

૭૮. જે એક સુરક્ષિત કિતાબમાં છે.

૭૯. તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે.

૮૦. આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.

૮૧. શું તમે આ વાતને સામાન્ય જાણો છો?

૮૨. અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું.

૮૩. એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

૮૪. અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.

૮૫. અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.

૮૬. જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?

૮૭. અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ.

૮૮. હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય.

૮૯. તેને તો આરામ, ખોરાક અને આરામદાયક બગીચા હશે.

૯૦. અને જો તે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી હશે.

૯૧. તો (તેને કહેવામાં આવશે કે) તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો.

૯૨. પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે,

૯૩. તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે.

૯૪. અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.

૯૫. આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.

૯૬. બસ (હે પયગંબર)! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે.